jump to navigation

મળવા જેવા માણસ- ધીરુભાઇ શાહ પરિચય કાર- નવીન બેંકર January 21, 2015

Posted by vijayshah in : maahitI , trackback
Dhirubhai Shah
૯૪ વર્ષની વયના આ જુવાને, ૧૯૯૭માં તેમના પત્નીના અવસાન પછી, લખવા-વાંચવાનું શરુ કરીને, ગુજરાતી સાહિત્ય સાથે નાતો જોડી રાખ્યો છે. દેશ પરદેશના માસિકો અને વર્તમાનપત્રોમાં તેમના કાવ્યો, લેખો, વાર્તાઓ, નિબંધો પ્રસિધ્ધ થતા રહે છે.  તેમના લખાણોમાં ભાવ છે, ભક્તિ છે, વ્યથા છે, લાગણી છે, અનુભવોનું ભાથું છે, વ્યવસાયની વાતો યે છે, બોધ છે અને ખાસ તો વૃધ્ધોની સમસ્યાઓ પણ છે. તેમની રચનાઓ સરલ, સહજ ભાવથી ભરેલી તેમજ સામાન્યજનોને પણ સમજાય તેવી બોધદાયક હોય છે. હ્યુસ્ટનના  ‘દર્પણ’, ‘  ‘ગુજરાત ગૌરવ’ તેમ જ ન્યુજર્સીના ‘ગુજરાત દર્પણ’માં તેમની કૃતિઓ નિયમિત પ્રસિધ્ધ થતી હોય છે. લગભગ ચાલીસેક વર્ષથી પોતાના દીકરા દિનેશ શાહ સાથે સુગરલેન્ડમાં રહીને નિવૃત્ત જીવન વીતાવે છે. તેમના નિવાસસ્થાને લીધેલી મુલાકાતના કેટલાક અંશ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું.
પ્રશ્ન-  મુરબ્બીશ્રી. ધીરુભાઇ, આપને ૧૯૯૨થી ઓળખું છું. સિનીયર સિટીઝન્સ એસોસિયેશનના પાયાના એક પથ્થર તરીકે જ ઓળખતો હતો. પછી, સાહિત્યસરિતાના એક એક્ટીવ મેમ્બર તરીકે આપની કૃતિઓનો રસાસ્વાદ કરવાનો મોકો મળ્યો એટલે અમારા વાંચકોને આપનો વધુ પરિચય થાય એ દ્રષ્ટીથી આપની મુલાકાત લેવા પ્રેરાયો છું. આપે સૌ પ્રથમ લેખનપ્રવૃત્તિ ક્યારે શરૂ કરેલી ?
ઉત્તર- નવીનભાઇ,  આમ તો લેખનની શરૂઆત ૧૯૪૦-૪૧ના ગાળામાં, જ્યારે હું ગુજરાત કોલેજમાં ભણતો ત્યારથી જ થયેલી. મને યાદ છે કે ૧૯૪૫માં, મેં એક અંગ્રેજી કાવ્ય લખેલું. શબ્દો કાંઇક આ પ્રમાણે હતા- Do your Duty, Die for Duty…વગેરે…એ કાવ્ય પ્રોફેસર દાવર સાહેબને મોકલેલું. તેમણે એ કાવ્ય ગુજરાતીમાં લખવા મને પાછું મોકલેલું.
પ્રશ્ન-  આપના જીવનકાળની આછી રૂપરેખા કહેશો ? એટલે કે જન્મસ્થળ, અભ્યાસ, વ્યવસાય વગેરે…
ઉત્તર-   મારો જન્મ  ૧ નવેમ્બર ૧૯૨૧માં ગુજરાતના પ્રખ્યાત  યાત્રાધામ ડાકોર પાસેના ઠાસરા ગામમાં થયેલો. અભ્યાસ બી.એ. ઓનર્સ વીથ ફિલોસોફી, એમ.એ. વીથ સાયકોલોજી. એલ.એલ.બી. માટે બે વર્ષની ટર્મ ભરેલી. પણ પિતાશ્રીની બિમારીને કારણે પરીક્ષા આપી શકાઇ ન હતી.  નોકરી ટેલીગ્રાફ ઓફીસમાં. હરીશ નાયક અને આપણા અંબુભાઇ દેસાઇ પણ અમારી સાથે ટેલીગ્રાફ ઓફીસમાં કામ કરતા હતા. ૧૯૩૫ થી ૧૯૮૨ સુધી અમદાવાદમાં અને ૧૯૮૨ પછી અમેરિકામાં વસવાટ.
પ્રશ્ન-  આપે ફુલ ફ્લેગ્ડ લખવાનું ક્યારે શરૂ કર્યું ?
ઉત્તર—૧૯૯૭માં ,મારાં પત્ની અમેરિકામાં હાર્ટ એટેકથી ગુજરી જતાં,  જિન્દગીના ૭૬ મા વર્ષે હું એકલો પડી ગયો. કામકાજ અને જીવનસાથી વગરની એકલતા દૂર કરવા માટે લેખન-વાંચનનો સહારો લીધો.
પ્રશ્ન-  આપની સાહિત્યવૃત્તિ અંગેની વાતો કહેશો ?
ઉત્તર- ૨૦૦૧માં, ‘સુખશાંતિનો માર્ગ’ નામે પત્રિકાનું સંકલન કરી ,છપાવી. ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા અંગેની મારી અંગ્રેજી કવિતા ‘ ગોડ બ્લેસ અમેરિકા’ , હ્યુસ્ટનના  ‘ SUN’ મેગેઝીને પ્રસિધ્ધ કરી.
૨૦૦૨માં , ‘ વનવગડાનાં ફુલ’ પુસ્તક સ્વરુપે આવ્યું.
‘સિનીયર ન્યુઝ’ નામના અત્રેના અંગ્રેજી  માસિકે મારી લખેલી કેટલીક અંગ્રેજી ભાષામાં લખાયેલી કવિતાઓ પ્રસિધ્ધ કરી. અમદાવાદના ‘ઘરશાળા’ માસિકે પણ ઘણી કૃતિઓ છાપી. ત્યાર પછી તો ‘ વનવગડાની વાતો’, ‘વનવગડાની વાટે વાટે’, બગીચાનાં ફુલો’, ‘વાતોનું વાવેતર’, ‘હ્ળવા હાસ્યનું પાનેતર અને પ્લસ ( ભાગ-૧ અને ભાગ-૨ ) પ્રકાશિત થયા. ‘હાઇકુ’ અને ‘તાન્કા’ પર પણ મેં હાથ અજમાવ્યો છે.
પ્રશ્ન- આપની સાહિત્યપ્રવૃત્તિમાં મદદરુપ થયેલા મિત્રો કે સંસ્થાઓ અંગે કશું કહેશો ?
ઉત્તર- સૌ પ્રથમ તો મારા પુત્ર દીનેશ અને પુત્રવધુ હેમંતીના સાથ-સહકાર વગર હું આટલી પ્રવૃત્તિ ન કરી શક્યો હોત. ‘અખંડ આનંદ’, ‘જનકલ્યાણ’, ‘નવચેતન’, ‘ગુજરાત ટાઇમ્સ’, ‘ગુર્જરિ ડાયજેસ્ટ’, ‘ગુજરાત દર્પણ’, ગુંજન’, ‘સેવક’, જેવા સામયિકોના સાથ વગર આ કામ થઇ શક્યું ન હોત. મને પ્રોત્સાહન આપનાર સર્જકમિત્રોમાં  ભાવનગરના ગંભીરસિંહ ગોહિલ, ભરુચના કિનાક્ષી યાદવ, દ્વારકાના ઇશ્વર પરમાર,  વડોદરાના પ્રોફેસર શ્રી. આર.સી. મહેતા, ગાંધીનગરના પ્રજ્ઞાબેન, શ્રી. આણદજી ડોસા, હ્યુસ્ટનના હયદર અલી જીવાણી, ગિરીશ દેસાઇ, શ્રી. વિજય શાહ,  ‘ સેવક’ના તંત્રી શ્રી. એસ. કે તેજાણી અને નુરુદ્દીન દરેડિયા, કેલિફોર્નિયાના શ્રી. આનંદરાવ લિંગાયત સાહેબ, અમદાવાદના શ્રી. યોસેફ મેકવાન અને ઓફકોર્સ આપણી હ્યુસ્ટનની સાહિત્ય સરિતા તો ખરી જ..બીજા તો ઘણાં નામો છે પણ કેટલાંનો નામોલ્લેખ કરવો ?
પ્રશ્ન- ગુજરાતી સાહિત્ય રસિકોને કોઇ સંદેશ આપવો આપને ગમશે ?
ઉત્તર-  જરુર.. કોઇપણ કાર્યની શરૂઆત માટે કોઇ જ ઉંમર મોટી નથી. વૃધ્ધાવસ્થામાં પોતાની કોઇ મનગમતી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહેશો તો જિન્દગી જીવવા જેવી લાગશે. પુસ્તકો સાથે દોસ્તી કરો, ઇન્ટરનેટનો ઉપયોગ શીખી લો.
પ્રશ્ન-  ધીરૂભાઇ, આપે ફાળવેલ સમય માટે ખુબ ખુબ આભાર.
ઉત્તર- યુ આર ઓલ્વેઝ વેલકમ. નમસ્તે.

Comments»

1. સરયૂ પરીખ - January 25, 2015

નમસ્તે ધીરૂભાઈ,
નવીનભાઈની સાથેની વાતચીત વાંચી આનંદ થયો. બસ, સ્વઆનંદ માટે લખતાં રહિયે.
મનગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો એ શુભેચ્છા સાથ. સરયૂ


Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help